રાષ્ટ્રીય એકતા દિવસ: વડોદરા
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ડભોઇ ખાતે એકતા દોડને ફ્લેગ ઓફ કરાવતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
વડોદરા, તા.૩૧: અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્ય સાથે વડોદરા જિલ્લામાં પણ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના સહિત ધારાસભ્યશ્રી શૈલેષ મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આનંદ પાટીલ, જિલ્લા પોલીસ અધિકક્ષક ગ્રામ્ય સુશીલ અગ્રવાલ તથા અન્ય મહાનુભાવોએ ડભોઇ કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજે આપણે સૌ લોકો એક વિશેષ દોડ માટે અહીંયા એકત્રિત થયા છીએ આ કોઈ સરકારી કે રાજકીય કે કોઈ સમાજનો કાર્યક્રમ નથી, આજનો કાર્યક્રમ આપણે સૌ લોકો એક છે એનો સંદેશ આપે છે.
આપણા સરદાર સાહેબે ૫૬૨ રજવાડાઓ એક કર્યા, આપણા ભારત દેશને એક બનાવ્યો ત્યારે આજે એમની ૧૫૧મી જન્મ જયંતિના દિને એક સંકલ્પ લઈએ કે, આવનારી બધી જ પેઢીઓ આપણે એક રહીને ભારતના વિકાસની દોડમાં હંમેશા સહભાગી થઈશું.
આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની દુનિયાની સૌથી મોટી ગગનચુંબી પ્રતિમા બનાવી છે. જે દેશ આપણા પર રાજ કરતો હતો એ દેશના લોકો પણ આવી-આવીને સરદાર સાહેબને વંદન નમન કરતા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં દુનિયાભરથી લોકો સરદાર સાહેબને સમજવા, એમની પ્રતિમાને જોવા આવે જે આપણા સૌ માટે ખૂબ ગૌરવની વાત છે.
તેમણે વધુમાં સૌને વિનંતી કરી હતી કે, આ એકતા દોડ એ માત્ર આજના દિવસે નહીં, પરંતુ સરદારશ્રીના વિચારો આપણે આખા વર્ષ દરમિયાન આપણામાં જીવંત રાખીએ અને દેશના વિકાસમાં એક ભારતીય તરીકે આપણે સૌ લોકો સાથે મળીને કામગીરીમાં જોડાઈએ. અંતે તેમણે સરદાર સાહેબના એકતાના વિઝનની સાથે વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ના વિકાસના વિઝનમાં સૌ લોકો એક થઈને દેશને આગળ વધારીએ એમ જાહેર અપીલ કરી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવો એ અખંડ ભારતના ઘડવૈયા ભારત રત્નશ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાદર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપસ્થિત સૌએ 'એકતા શપથ' ગ્રહણ કર્યા હતા.
ડભોઇ કોલેજ ગ્રાઉન્ડથી પ્રારંભ થયેલી એકતા યાત્રા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજથી એ.પી.એમ.સી.થી સરદાર પટેલની પ્રતિમાથી રાધે કોમ્પ્લેક્ષ થઇ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સમાપન કરવામાં આવી હતી. એકતા દોડમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા.
વૈશાલી પરમાર 0000000000000000000







