યુ.ઈ.બી., વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળો યોજાયો
ઉપસ્થિત રહેલા ૩૦ ઉમેદવારોમાંથી ૧૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ રોજગાર અને તાલીમ નિયામક કચેરી હસ્તકના વડોદરા સ્થિત યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર (યુ.ઈ.બી.) દ્વારા આજે તારીખ ૩૦ મી ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ યુઈબીના પરિસરમાં રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળા તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કમાટીબાગ સામે આવેલા સી-બ્લોક ખાતે યોજાયેલા આ ભરતીમેળામાં જિલ્લાના યુવાનોને રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવામાં આવી હતી.
આ ભરતીમેળામાં બી.ઈ. (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, આઈ.સી., ઈ.સી., એમ.કોમ., એમ.બી.એ. તેમજ એક્સ-સર્વિસમેન જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી તથા બિનઅનુભવી ઉમેદવારો માટે એન્જિનિયર, સેફ્ટી ઓફિસર, ડેટા એન્ટ્રી ઓપરેટર, વેરહાઉસ એક્ઝિક્યુટિવ, શિફ્ટ ઇનચાર્જ, સુપરવાઇઝર, ડેપ્યુટી ફેક્ટરી મેનેજર, ઇન્વેન્ટરી મેનેજર, ડેવલપમેન્ટ મેનેજર, લાઈફ મિત્રા અને સિક્યુરિટી ગાર્ડ સહિતની ૬૫થી વધુ ખાલી જગ્યાઓ ઉપલબ્ધ કરાઈ હતી. જેમાં પ્રોવાઇઝ મેનસિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ, બેંકો પ્રોડક્ટ ઇન્ડિયા લિમિટેડ, એડવાન્સ સિસ્ટેક પ્રાઇવેટ લિમિટેડ, એસ.બી.આઈ. લાઈફ ઇન્શ્યોરન્સ, ઉષા ન્યુરોસ ટર્બો એલએલપી અને મેજર સ્નીફર ખાન સિક્યુરિટી એજન્સી જેવી નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોના પ્રત્યક્ષ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.
આ ભરતીમેળામાં કુલ ૩૦ ઉત્સાહી ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી કંપનીઓની જરૂરિયાત અને ઉમેદવારોની યોગ્યતા મુજબ ૧૫ ઉમેદવારોની રોજગાર અને એપ્રેન્ટીસશિપ માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ પસંદગી પામેલા ઉમેદવારોને કંપનીઓ દ્વારા માસિક રૂપિયા ૧૫,૦૦૦/- થી ૩૦,૦૦૦/- સુધીના આકર્ષક પગાર ધોરણની ઓફર કરવામાં આવી છે, જે ઉમેદવારોના કારકિર્દી ઘડતર માટે મહત્વનું પગથિયું સાબિત થશે.
ભરતીમેળાની સાથોસાથ યોજાયેલા કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં યુ.ઈ.બી.ના નાયબ વડા શ્રી અલ્પેશ ચૌહાણ અને કરિયર કાઉન્સિલર દ્વારા ઉપસ્થિત યુવાનોને વિદેશમાં શિક્ષણ અને રોજગારીની તકો, સુરક્ષિત કાનૂની સ્થળાંતર (સેફ લીગલ માઈગ્રેશન), પીએમ ઇન્ટર્નશિપ યોજના, એપ્રેન્ટિસશિપ યોજના, પી.એમ.વી.બી.આર. યોજના તેમજ સ્વરોજગાર માટેની લોન-સહાય યોજનાઓ, સ્ટાર્ટ-અપ અને સ્ટેન્ડ-અપ યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોકેશનલ તાલીમ અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ અંગે પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઓનલાઈન રોજગારી મેળવવા માટે 'અનુબંધમ’ અને નેશનલ કારિયર સર્વિસ (એન.સી.એસ.) પોર્ટલ પર નિઃશુલ્ક નામ નોંધણી માટેનો વિશેષ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો, જેનો ઉપસ્થિત યુવાનોએ હોંશેહોંશે લાભ લીધો હતો.
સાગર રાવ 0000000000000000000
