‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અંતર્ગત આઇ.ટી.આઇ. ગોત્રી ખાતે જાગૃતિ કાર્યક્રમ તેમજ હેલ્થ કેમ્પ યોજાયો
વડોદરા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત ગોત્રી સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં દીકરીઓના શિક્ષણ અને સમાનતાની ભાવના કેળવવાની સાથે સ્વાસ્થ્ય, પોષણ અને કારકિર્દી અંગે યોગ્ય સમજણ વિકસાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ડી.એચ.ઈ.ડબ્લ્યુ ના કર્મચારી હેતલબેન દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનાના મૂળ ઉદ્દેશ્યો, મહિલા સશક્તિકરણની અનિવાર્યતા તેમજ દીકરીઓના શિક્ષણના મહત્વ વિશે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. સંસ્થાના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં યોગ્ય કારકિર્દીની પસંદગી, રોજગારની ઉપલબ્ધ તકો અને વ્યવસાયિક ઘડતર અંગે પણ આ પ્રસંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
યુવા પેઢીમાં સ્વસ્થ જીવનશૈલીનો વ્યાપ વધે તે હેતુથી કાર્યક્રમમાં આહાર, યોગ્ય પોષણ અને વ્યક્તિગત સ્વચ્છતાના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે સંસ્થા ખાતે એક નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉ. સુથાર તથા તેમની તબીબી ટીમ દ્વારા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનું આરોગ્ય પરીક્ષણ કરી જરૂરી તબીબી સેવાઓ અને સલાહ પૂરી પાડવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આઇ.ટી.આઇ. ગોત્રીના આચાર્યશ્રી મનોજ પરમાર દ્વારા પ્રેરક માર્ગદર્શન અને વહીવટી સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
સાગર રાવ 0000000000000000000


