ધુવારણ ખાતે ગેઇલ ઇન્ડિયા અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ગેસ ગળતર અંગેની મેગા મોકડ્રિલ યોજાઈ
પાઈપલાઈન દુર્ઘટના સમયે તંત્રની સજ્જતા ચકાસવા ધુવારણ ખાતે મોકડ્રીલ યોજાઈ
આણંદ, શુક્રવાર:::: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ધુવારણ ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેસ પરિવહન કરતી પાઈપલાઈનમાં સંભવિત ગળતર અને તેના કારણે લાગતી આગ જેવી કટોકટીની સ્થિતિમાં વહીવટી તંત્રની સજ્જતા ચકાસવા માટે આ કવાયત હાથ ધરાઈ હતી.
ખંભાતના પ્રાંત અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ સવારે ૧૧:૪૦ થી ૧૨:૩૫ દરમિયાન યોજાયેલી આ મોકડ્રિલમાં વિવિધ વિભાગો વચ્ચેના સંકલનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલના ભાગરૂપે ધુવારણ વિસ્તારમાંથી પસાર થતી ગેઇલ ઇન્ડિયાની મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ગેરકાયદે ખોદકામ દરમિયાન અચાનક ગેસ લિકેજ થયું હોવાનું કાલ્પનિક દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા સ્થળ પર હાજર કર્મચારીએ ત્વરિત કંપનીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ગેઇલ ઇન્ડિયા દ્વારા ઉપલબ્ધ સંસાધનોની મદદથી ગેસ ગળતર રોકવા અને આગ પર કાબૂ મેળવવાની પ્રાથમિક કાર્યવાહી શરૂ કરવાની સાથે જ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને સંબંધિત તમામ વિભાગો સાથે સંપર્ક સાધી રાહત-બચાવની કામગીરી તેજ કરવામાં આવી હતી. આ આપત્તિ વ્યવસ્થાપન કવાયતમાં જિલ્લા વહીવટી તંત્રની સાથે ગેઇલ ઇન્ડિયા, જી.એસ.ઈ.સી.એલ. (GSECL) ધુવારણ, ઓ.એન.જી.સી. ખંભાત, અમુલ ડેરી આણંદ, જય કેમિકલ્સ અને સન પેટ્રોકેમિકલ્સ જેવી અગ્રણી સંસ્થાઓ જોડાઈ હતી.
આ ઉપરાંત પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા અને સ્થાનિક પોલીસ વિભાગ, ખંભાત નગરપાલિકાનું અગ્નિશામક દળ, આરોગ્ય વિભાગ તથા ૧૦૮ અને ૧૧૨ની ઇમરજન્સી ટીમોએ સક્રિય સહભાગીદારી નોંધાવી હતી. તમામ એકમોએ સાથે મળીને અત્યંત ગંભીર પરિસ્થિતિમાં કેવી રીતે ન્યૂનતમ સમયમાં મહત્તમ કામગીરી કરી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બચાવ કામગીરી દરમિયાન ગેઇલની ટેકનિકલ અને ફાયર ટીમે મુખ્ય લાઇનનો ગેસ સપ્લાય વાલ્વ તાત્કાલિક બંધ કર્યો હતો અને ગેસના ફેલાવાને રોકવા માટે વોટર કર્ટન પદ્ધતિથી પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો.
આ કામગીરીમાં ઓ.એન.જી.સી. અને અન્ય ઔદ્યોગિક એકમોના અગ્નિશામક દળોએ પણ સહકાર આપ્યો હતો. બીજી તરફ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી વાહનવ્યવહાર પર રોક લગાવી દેવામાં આવી હતી, જેથી બચાવ કામગીરીમાં અવરોધ ન આવે. આરોગ્ય વિભાગ અને ૧૦૮ની ટીમોએ ગેસ લિકેજથી અસરગ્રસ્ત બનેલા કાલ્પનિક ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની કામગીરી પૂર્ણ કરી હતી. આ સફળ મોકડ્રિલ અંગે માહિતી આપતા વહીવટી તંત્ર અને ગેઇલ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારની કવાયતના માધ્યમથી વાસ્તવિક દુર્ઘટના સમયે વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને મજબૂત બનાવવાનો અને પ્રતિસાદ સમય (Response Time) ઘટાડવાનો છે.
ગેસ પાઇપલાઇન જેવા સંવેદનશીલ સંસાધનોની સુરક્ષા ચકાસવી અને સ્થાનિક નાગરિકોમાં જાગૃતિ લાવવી એ અનિવાર્ય છે. કાર્યક્રમના અંતે એક સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર કામગીરીનું મૂલ્યાંકન કરી સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ કરવા માટેના જરૂરી સૂચનો અને સુધારાત્મક પગલાંઓ પર ચર્ચા કરવામાં આવી હતી.


