Gujarat Real-Estate Bulletin
Gujrera
Gujarat Information Bureauમહિલા અને બાળ વિકાસ વિભાગ

દસ્ક્રોઈના હીરાપુરમાં ઘરેલું હિંસા અધિનિયમ અંગે કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો

મહિલા સુરક્ષા અને અધિકારો અંગે હીરાપુર ગામે વિશેષ માર્ગદર્શન શિબિર સંપન્ન

મહિલા અને બાળ વિકાસ વિભાગ80 viewsShare on WhatsApp
Download original image

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દસ્ક્રોઈ તાલુકાના હીરાપુર ગામે સ્થાનિક મહિલાઓ માટે ‘ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ, ૨૦૦૫’ અંતર્ગત એક વિશેષ જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પોતાના કાયદાકીય અધિકારો પ્રત્યે સજાગ બને અને જરૂરિયાતના સમયે યોગ્ય કાનૂની સહાય મેળવી શકે તેવા મુખ્ય ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ સેમિનારમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ શ્રીમતી પાયલબહેન રાઠોડ તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી મહેશ રાજપૂતે ઉપસ્થિત રહી મહિલાઓને ઘરેલું હિંસા અધિનિયમની વિવિધ કલમો અને કાનૂની જોગવાઈઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. 

કાર્યક્રમ દરમિયાન ઘરેલું હિંસાના વિવિધ સ્વરૂપો, પીડિતાઓને મળવાપાત્ર કાનૂની રક્ષણ, સહાય મેળવવાની પ્રક્રિયા તેમજ સંબંધિત તંત્ર કે હેલ્પલાઇનનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે સરળ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત ‘સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન’ (DHEW) ની ટીમ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સુરક્ષા વ્યવસ્થા તથા સરકારી સહાય અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

આ સેમિનાર થકી ગ્રામીણ મહિલાઓમાં અન્યાય સામે અવાજ ઉઠાવવાનો આત્મવિશ્વાસ વધારવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.