Gujarat Real-Estate Bulletin
Gujrera
Gujarat Information Bureauઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

અમદાવાદ સિવિલના તબીબોએ ૩ વર્ષની બાળકીની શ્વાસનળીમાંથી સીતાફળનું બીજ કાઢી જીવ બચાવ્યો

પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટર્સે થેરાપ્યુટિક બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકીને ગંભીર સ્થિતિમાંથી ઉગારી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ76 viewsShare on WhatsApp
Download original image

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગની ઉત્કૃષ્ટ અને ત્વરિત તબીબી સેવાના પરિણામે ત્રણ વર્ષની માસુમ બાળકીને નવજીવન સાંપડ્યું છે. અરવલ્લી જિલ્લાના માલપુરની આ બાળકીની શ્વાસનળીમાં રમતાં-રમતાં ફસાયેલું સીતાફળનું બીજ અત્યંત જટિલ પ્રક્રિયા બાદ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું છે. રાજ્યની સરકારી આરોગ્ય પ્રણાલીની સજ્જતા અને સિવિલના તબીબોની નિષ્ઠાના કારણે મોટી દુર્ઘટના ટળી છે અને બાળકીની તબિયત હાલ સંપૂર્ણપણે સ્થિર છે.

કેસની વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે રહેતી ત્રણ વર્ષની બાળકી રમતી વખતે અજાણતાં કોઈ અજ્ઞાત પદાર્થ ગળી જતાં તેને અચાનક સતત ઉધરસ, શ્વાસ લેવામાં અતિશય તકલીફ અને ઊલટી થવા લાગી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈ પરિવારજનો તેને તાત્કાલિક મોડાસાની સ્થાનિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સ્થિત GMERS હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી. હિંમતનગર ખાતે બાળકીને ત્વરિત ઓક્સિજન સપોર્ટ આપી સીટી સ્કેન કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે તેની ડાબી મુખ્ય શ્વાસનળીમાં બાહ્ય પદાર્થ (Foreign Body) ફસાયેલો છે.

પરિસ્થિતિ અત્યંત નાજુક હોવાથી બાળકીને વધુ અને ચોક્કસ સારવાર માટે તા. ૨૬ ઓક્ટોબરના રોજ વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ તંત્ર અને તબીબોની ટીમે સમય સૂચકતા દાખવી વહેલી પરોઢે પણ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે સારવાર પ્રક્રિયા હાથ ધરી હતી. બાળકીને જરૂરી ટ્રીટમેન્ટ આપીને ઝડપથી સ્ટેબીલાઈઝ કરીને થેરાપ્યુટિક બ્રોન્કોસ્કોપી સર્જરી માટે એડમિટ કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના પ્રોફેસર અને વડા ડૉ. રાકેશ જોષી દ્વારા એનેસ્થેશિયા વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સોનલ અને તેમની ટીમ સાથે મળીને સફળતાપૂર્વક થેરાપ્યુટિક બ્રોન્કોસ્કોપી કરવામાં આવી હતી. આ જટિલ પ્રક્રિયા દરમિયાન તબીબોએ કૌશલ્યપૂર્વક બાળકીની ડાબી મુખ્ય શ્વાસનળીમાં અવરોધરૂપ બનેલું સીતાફળનું બીજ બહાર કાઢી શ્વાસનળીનો માર્ગ પૂર્વવત કર્યો હતો. સમયસર મળેલી આ શ્રેષ્ઠ સારવારથી માસુમનો જીવ બચી ગયો છે અને હાલ તેને હોસ્પિટલમાંથી રજા આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ સફળ સારવાર બાદ, નાનાં બાળકોની સુરક્ષા અંગે વાલીઓ માટે  મહત્ત્વપૂર્ણ સાવચેતીનો સંદેશ આપતાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, રમતી વખતે નાનાં બાળકો અજાણતાં સિક્કા, રમકડાંના નાના ભાગો, બીજ કે ખાદ્ય પદાર્થો મોઢામાં નાખી દેતાં હોય છે; જે શ્વાસનળીમાં જવાથી જીવલેણ સ્થિતિ સર્જી શકે છે. તેમણે વાલીઓને વિશેષ અપીલ કરી હતી કે બાળકોની આસપાસ આવી નાની વસ્તુઓ ન રાખવી તથા તેઓ રમતાં કે ખાતાં હોય ત્યારે ખાસ નજર રાખવી. 
બાળકમાં અચાનક ઉધરસ, શ્વાસમાં તકલીફ કે ગૂંગળામણ જેવા લક્ષણો દેખાય તો તેને સામાન્ય ગણવાની ભૂલ કર્યા વિના, સમય વેડફ્યા વગર તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ. સમયસર કરવામાં આવતી થેરાપ્યુટિક બ્રોન્કોસ્કોપી બાળકનો જીવ બચાવવામાં અત્યંત નિર્ણાયક સાબિત થાય છે.