અમદાવાદ શહેરમાં સિનિયર સિટીઝન રમતગમત સ્પર્ધાનું આયોજન
વિવિધ સાત રમતોમાં ભાગ લેવા ૬૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને અનુરોધ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન સિનિયર સિટીઝન (ભાઈઓ અને બહેનો) માટે રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આગામી તા. ૧૭ થી ૨૦ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન સિનિયર સિટીઝન રમતગમત સ્પર્ધાઓ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવો, શારીરિક તંદુરસ્તી જાળવવા પ્રોત્સાહિત કરવા તથા રમતગમત દ્વારા સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.
આ સ્પર્ધામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે. સ્પર્ધા અંતર્ગત એથ્લેટિક્સ (દોડ અને મેદાની રમતો), વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ,રસ્સાખેંચ, ટેનિસ બોલ, ક્રિકેટ સહિતની સાત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના વધુમાં વધુ વરિષ્ઠ નાગરિકો આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લે અને પોતાની રમતગમતની પ્રતિભા પ્રદર્શિત કરે તે માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમદાવાદ શહેર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રમતગમત એ માત્ર શારીરિક તંદુરસ્તી જાળવવાનું માધ્યમ નથી, પરંતુ જીવનમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ, આનંદ અને સામાજિક એકતા વધારવાનું પણ એક ઉત્તમ સાધન છે. આ સ્પર્ધા વરિષ્ઠ નાગરિકોને પોતાની ક્ષમતા દર્શાવવાની તથા રમતગમત સાથે જોડાઈને સક્રિય જીવન જીવવાની તક પૂરી પાડશે.
આથી અમદાવાદ શહેરના તમામ સિનિયર સિટીઝન મંડળો, વરિષ્ઠ નાગરિક સંગઠનો, વિવિધ સંસ્થાઓ તથા રમતપ્રેમીઓને પોતાના સંપર્કમાં આવતા વધુમાં વધુ પાત્ર ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લે તે માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમદાવાદ શહેરની અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
સ્પર્ધામાં ભાગ લેવા માટેની નોંધણી, પાત્રતા, નિયમો, સ્થળ, સમયપત્રક તથા અન્ય જરૂરી વિગતો માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમદાવાદ શહેરનો સંપર્ક કરી શકાશે.
