Gujarat Real-Estate Bulletin
Gujrera
Gujarat Information Bureauઅન્ય

એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ: સરદાર સાહેબના વિચારોને સાકાર કરતું ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી: રાષ્ટ્રીય એકતાનું વૈશ્વિક પ્રતીક

અન્ય20 viewsShare on WhatsApp
Download original image

દર વર્ષે ૩૧ ઓક્ટોબરે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. દેશી રજવાડાંના એકીકરણ દ્વારા અખંડ ભારતના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર સરદાર સાહેબના રાષ્ટ્રનિષ્ઠા, દૃઢ નેતૃત્વ અને એકતાના આદર્શો આજે પણ રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરણારૂપ છે. સરદાર સાહેબની જન્મભૂમિ ગુજરાત તેમની આ વૈચારિક વિરાસતને આગળ ધપાવતાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને સર્વસમાવેશક વિકાસના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પ્રયાસરત છે.

નર્મદા નદીના તટે કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સરદાર સાહેબના વ્યક્તિત્વ, રાષ્ટ્રપ્રેમ અને અખંડ ભારતના સ્વપ્નનું પ્રતીક છે. આજે એકતાનગર તરીકે વિકસેલું આ સ્થળ રાષ્ટ્રીય ગૌરવ અને પ્રવાસનનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે. અહીં યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડમાં વિવિધ સુરક્ષા દળોની ભાગીદારી દ્વારા દેશની એકતા, શિસ્ત અને રાષ્ટ્રીય અખંડિતતાનો સંદેશ પ્રસરાવવામાં આવે છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રદર્શન વિવિધતામાં એકતાના ભારતીય મૂલ્યને ઉજાગર કરે છે.

એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે સાંસ્કૃતિક આદાનપ્રદાન, યુવા વિનિમય અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં ખેલ મહાકુંભ સહિતની રમતગમતલક્ષી પહેલો યુવાનોને પ્રતિભા પ્રદર્શનની તક પૂરી પાડે છે. બીજી તરફ, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાતો મેળો ગુજરાત અને પૂર્વોત્તર ભારતનાં રાજ્યો વચ્ચેના ઐતિહાસિક તથા સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરે છે. આવા આયોજનો વિવિધ પ્રદેશોના લોકો વચ્ચે પરસ્પર સમજણ, સાંસ્કૃતિક જોડાણ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને બળ આપે છે.

સરદાર સાહેબનું અખંડ ભારતનું સ્વપ્ન માત્ર ભૌગોલિક એકીકરણ પૂરતું મર્યાદિત નહોતું, રાષ્ટ્રની એકતા માટે સામાજિક વિશ્વાસ, સુરક્ષા અને સહભાગિતા પણ એટલાં જ મહત્ત્વનાં છે. આ ભાવનાને અનુરૂપ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારો, આદિવાસી પ્રદેશો તથા દરિયાકાંઠાના વિસ્તારો સુધી વિકાસલક્ષી યોજનાઓના લાભ પહોંચાડવાના પ્રયાસો સમાન તક, સામાજિક સમરસતા અને લોકભાગીદારીને પ્રોત્સાહન આપે છે. વિકાસની પ્રક્રિયામાં સમાજના તમામ વર્ગોની સહભાગિતા રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવે છે.

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાતી રન ફોર યુનિટી, વક્તૃત્વ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સરદાર સાહેબના જીવનમૂલ્યો, ત્યાગ, દૃઢ નિશ્ચય અને રાષ્ટ્રનિષ્ઠાનો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડવામાં આવે છે. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ અને યુવાનોને આવી પ્રવૃત્તિઓ સાથે જોડવાથી દેશની એકતા અને અખંડિતતા પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસે છે.

રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૬ એ સરદાર સાહેબના યોગદાનને સ્મરણ કરવાનો અવસર હોવાની સાથે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સામૂહિક પ્રગતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃદોહરાવવાનો દિવસ પણ છે. સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને જીવનમાં ઉતારીને પરસ્પર વિશ્વાસ, ભાઈચારો, સાંસ્કૃતિક સંવાદ અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવું એ જ તેમને સાચી ભાવાંજલિ છે. ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની દિશામાં આગળ વધતાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનાં મૂલ્યોનું જતન કરવું એ દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે.