Gujarat Real-Estate Bulletin
Gujrera
Gujarat Information Bureauઅન્ય

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે નક્સલ પ્રભાવિત ક્ષેત્રના પર્યટકોએ અમદાવાદના હેરિટેજ અને આધુનિક પ્રકલ્પોની મુલાકાત લીધી

દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીથી ધોલેરા સ્માર્ટ સિટી સુધીની મુલાકાત દરમિયાન પ્રવાસીઓએ ગુજરાતની ઐતિહાસિક વિરાસત અને ભવિષ્યના મોડેલનો અનુભવ કર્યો

અન્ય137 viewsShare on WhatsApp
Download original image

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી પૂર્વે અંતરિયાળ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે એક વિશેષ જનજાગૃતિ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલના ભાગરૂપે, નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાંથી આવેલા પ્રવાસીઓના એક વિશેષ દળે ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અને દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ધોલેરાની ઉત્સાહભેર મુલાકાત લીધી હતી.

અમદાવાદ ખાતેના રોકાણ દરમિયાન પ્રવાસીઓએ શહેરના ઐતિહાસિક અને આધુનિક પાસાઓને અત્યંત નજીકથી અનુભવ્યા હતા. મુલાકાતની શરૂઆતમાં તેઓએ પ્રાચીન સ્થાપત્ય અને સંસ્કૃતિને સમજવા માટે 'હેરિટેજ વોક' કરી હતી. ત્યાર બાદ પૂજ્ય બાપુની કર્મભૂમિ એવા સાબરમતી આશ્રમ ખાતે શાંતિ અને અહિંસાના પાઠ શીખ્યા હતા. આધુનિક ભારતની સાયન્ટિફિક પ્રગતિના પ્રતીક સમાન 'સાયન્સ સિટી' અને સ્થાપત્યની દૃષ્ટિએ આકર્ષણનું કેન્દ્ર બનેલા 'અટલ બ્રિજ' તથા સાબરમતી રિવરફ્રન્ટની ભવ્યતા નિહાળીને તેઓ મંત્રમુગ્ધ થયા હતા.

સાંસ્કૃતિક અને બૌદ્ધિક આદાન-પ્રદાનના ભાગરૂપે આ પ્રવાસીઓએ 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ'ની પણ મુલાકાત લીધી હતી. જ્યાં દેશ-વિદેશના સાહિત્યનો સંગમ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, પ્રવાસીઓએ પરંપરાગત ગુજરાતી વાનગીઓનો આસ્વાદ માણી ગુજરાતની આતિથ્ય ભાવનાનો સ્વીકાર કર્યો હતો. ભવિષ્યના વિકસિત ભારતની ઝાંખી કરાવતા 'ધોલેરા SIR (સ્માર્ટ સિટી)'ના વિવિધ અત્યાધુનિક પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી મેળવીને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને ધોલેરાના પ્રવાસ બાદ આ તમામ પર્યટકો હવે નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે પહોંચશે. જ્યાં આગામી ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાનારા 'રાષ્ટ્રીય એકતા દિવસ'ના ભવ્ય કાર્યક્રમમાં તેઓ સક્રિયપણે ભાગ લેશે. દેશના વિભિન્ન ખૂણેથી આવેલા આ નાગરિકો ‘અખંડ ભારત’ના શિલ્પી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ના સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શપથ લઈને દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો સંકલ્પ કરશે.