Gujarat Real-Estate Bulletin
Gujrera
Gujarat Information Bureauશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

ચાંદખેડા ખાતે યોજાયેલ મેગા રોજગાર ભરતી મેળામાં ૧,૨૫૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

ગુજરાત સરકારના રોજગાર વિભાગ અને ONGC OBC/MOBC EWA એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે મેગા જોબ ફેર અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર સફળતાપૂર્વક સંપન્ન

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ125 viewsShare on WhatsApp

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ તથા ઓલ ઇન્ડિયા ONGC OBC/MOBC EWA એસોસીએશન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઓફિસર્સ ક્લબ, ONGC કેમ્પસ, ચાંદખેડા, અમદાવાદ ખાતે મેગા રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ઓલ ઇન્ડિયા ONGC OBC/MOBC EWA એસોસીએશન, અમદાવાદના ચેરમેન શ્રી દીપક પ્રજાપતિ અને સેક્રેટરી શ્રી પિયુષ પરમારના નેતૃત્વ હેઠળ એસોસિયેશનના ઓફિસ બેરર્સ, એક્ઝિક્યુટિવ મેમ્બર્સ તથા સમગ્ર ટીમે ઉત્સાહભેર હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય સહયોગ આપ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોને ઉપલબ્ધ રોજગારીની તકોનો મહત્તમ લાભ લેવા, કૌશલ્ય વિકાસ દ્વારા પોતાની કારકિર્દીને વધુ મજબૂત બનાવવા તથા સ્વરોજગાર અપનાવી ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મદદનીશ નિયામક (રોજગાર) શ્રીમતી એમ. આર. સાહની દ્વારા મેગા જોબ ફેરના હેતુ, રોજગાર કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ, રોજગારલક્ષી યોજનાઓ તથા સંબંધિત પોર્ટલ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ મેગા ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રની વિવિધ ૧૯ પ્રતિષ્ઠિત નોકરીદાતા કંપનીઓએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુ યુવાનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. સ્થળ પર જ યોજાયેલા ઇન્ટરવ્યૂના અંતે કુલ ૧,૨૫૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, જે આ આયોજનની મોટી સફળતા દર્શાવે છે.
ભરતી મેળામાં એન્જિનિયર, ડિપ્લોમા ટ્રેઇની, ટેકનિશિયન, ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, મશીન ઓપરેટર, સેલ્સ એક્ઝિક્યુટિવ, ફિલ્ડ એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, રિલેશનશિપ મેનેજર, હેલ્પર/ટ્રેઇની તેમજ નર્સિંગ અને મેડિકલ સ્ટાફ જેવી વિવિધ ક્ષેત્રોની જગ્યાઓ માટે તકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા યુવાનો માટે ખાસ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર પણ યોજાઈ હતી. જેમાં સ્વરોજગાર માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓ, વ્યવસાયની નવી તકો અને નવો વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી બાબતો અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રી રાજેશ શુક્લા, રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી પ્રસુનકુમાર સિન્હા (ED–Asset Manager, ONGC અમદાવાદ), શ્રી હરિઓમ ગુપ્તા (ED–WSS, ONGC), L-2 અધિકારીશ્રીઓ અને કલેક્ટિવ ઓફિસ બેરર ઓફ ઓબીસી એસોસિયેશન સહિતના મહાનુભાવો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ તથા ઓલ ઇન્ડિયા ONGC OBC/MOBC EWA એસોસીએશનના તમામ ઓફિસ બેરર્સ, એક્ઝિક્યુટિવ મેમ્બર્સ અને વોલન્ટિયર્સે સક્રિય અને નિઃસ્વાર્થ યોગદાન આપ્યું હતું.