વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતેથી ₹426.71 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
સરદાર પટેલ જયંતીના રોજ સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં ₹307.83 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ ₹118.88 કરોડથી વધુ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત થશે
ગાંધીનગર, 30 ઓક્ટોબર, 2026: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબર, 2026 ના રોજ ગુજરાતમાં એકતા નગરની મુલાકાત લેશે. સરદાર પટેલ જયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમ્યાન તેઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ખાતે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ એકતાનગર ખાતેથી ₹426.71 કરોડના પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કુલ 31 જેટલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. એકતાનગરના મુલાકાતીઓ માટે પ્રવાસનના નવા આકર્ષણો ખુલ્લા મૂકવામાં આવશે, સાથે જ પ્રવાસી સુવિધાઓના વિકાસથી તેમના સમગ્ર પ્રવાસન અનુભવમાં વધારો થશે.
₹307.83 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિવિધ 23 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં ₹50 કરોડના ખર્ચે નિર્મિત IRCTC હોટલ, ₹16 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી નવી એકતા ક્રૂઝ, ₹14.૩૦ કરોડના ખર્ચે નિર્મિત રેઇન ફોરેસ્ટ તેમજ ₹3.67 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી ઇકો-ટ્રેઇલ જેવા નવા પ્રવાસન આકર્ષણોના લોકાર્પણનો સમાવેશ થાય છે. નવા પ્રવાસન આકર્ષણો ઉપરાંત, ₹45.53 કરોડના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ₹21.40 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ₹23.81 કરોડના ખર્ચે પરેડ ટ્રેક અને સંબંધિત કાર્યોનો વિકાસ, ₹28.22 કરોડના ખર્ચે પ્રવાસીઓની સુવિધા અને સુગમ આવાગમન માટે ટ્રાવેલેટર્સનો વિકાસ, ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને સ્થાનિક માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા ₹23 કરોડના ખર્ચે 24 મીટર કોલોની રોડ, એકતાનગર ખાતે કર્મચારીઓને રહેણાંક સુવિધા પૂરી પાડવા માટે ₹14.25 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
વધુમાં, CISF બેરેકનો વિકાસ, મોખડી ગામ નજીક ટર્મિનલ બિલ્ડીંગ અને જેટ્ટીનો વિકાસ, એકતાનગરમાં વિવિધ સ્થળોએ વોટર સ્ટેશન્સનું નિર્માણ, એકતાનગર રેલવે સ્ટેશનથી વિઝિટર સેન્ટર સુધી વૉક-વેનું વિસ્તરણ, વિવિધ સ્થળોએ આકર્ષક ફુવારાઓનું નિર્માણ, એકતાનગરના નવા હાઇ લેવલ ગોરા બ્રિજના પથ્થરવાળા ઢોળાવનું સૌંદર્યકરણ કરવા અને હરિયાળી વધારવા માટે જીઓસેલ (Geocell) ટેક્નોલોજી આધારિત લેન્ડસ્કેપિંગ, સ્ટેચ્યુ ઑફ યુનિટીના ગેટ નંબર-8 ખાતે રોડનો વિકાસ, શૂલપાણેશ્વર નર્મદા ઘાટનો વિસ્તાર અને સૌંદર્યકરણ, સ્ટેચ્યુ ઑફ યુનિટી કેમ્પસમાં ફસાડ (Facade) લાઇટિંગની સુવિધા, એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા અને ભારતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે ‘એકતા પ્રકાશ પર્વ’નો વિકાસ, યુનિટી ગ્લો ગાર્ડનનું અપગ્રેડેશન, 9 મીટર લાંબી 2 નવી એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસો તેમજ એકતાનગરના વિવિધ સ્થળોએ આકર્ષક શિલ્પ-સ્થાપત્યોની સ્થાપના, વગેરે જેવા કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આમ, કુલ મળીને ₹૩૦૭.૮૩ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.
₹૧૧૮.૮૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં ₹59.32 કરોડના ખર્ચે ગોરા–ભાણદ્રા રોડ, ₹7.72 કરોડના ખર્ચે ખલવાણી બ્રિજનો વિકાસ, ₹5.79 કરોડના કુલ ખર્ચે કેકટસ અને બટરફ્લાય ગાર્ડનનો એકીકૃત વિકાસ, માંડવા ફળિયાથી રિવર રાફ્ટિંગ પોઇન્ટ અને સોલિડ વેસ્ટ સાઇટ સુધીના માર્ગને વધુ સુગમ બનાવવા માટે વાઘડિયા રોડનું વિસ્તરણ તેમજ સરદાર સરોવર ડેમની સુરક્ષા અને આપાતકાલીન પરિસ્થિતિઓના અસરકારક વ્યવસ્થાપન માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનું નિર્માણ, ₹36.58 કરોડના ખર્ચે સ્માર્ટ ઝીરો વેસ્ટ ઇન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અને ₹5.15 કરોડના ખર્ચે ખલવાણી ઇકો ટુરિઝમનો વિકાસનો સમાવેશ થાય છે. કુલ ₹૧૧૮.૮૮ કરોડના ખર્ચે ૮ જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, એકતાનગરને વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાના ઉદ્દેશથી સ્ટેચ્યુ ઑફ યુનિટી અને તેની આસપાસના પરિસરમાં સતત નવા પ્રવાસન આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે, તેમજ પ્રવાસી સુવિધાઓ પણ વિકસિત કરવામાં આવી રહી છે, જે એકતાનગર આવતા પ્રવાસીઓને એક સર્વાંગી પ્રવાસન અનુભવ પ્રદાન કરે છે.
*****

