ગુજરાત રેરાએ જાહેરાતો માટે નવા ધોરણો જાહેર કર્યા: હવે ફરજિયાત રહેશે ‘યુનિક નંબર’ અને QR કોડ

ગાંધીનગર, ૧૯ મે, ૨૦૨૫: રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની જાહેરાતોમાં પારદર્શિતા અને ગ્રાહકોને સરળ માહિતી પહોંચ માટે ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરાત રેરા)એ નવી ગાઇડલાઇન જારી કરી છે. હુકમ નં. ૧૦૮ તારીખ ૧૯/૦૫/૨૦૨૫ અનુસાર, હવેથી કોઈપણ પ્રકારની પ્રિન્ટ અથવા ઈલેક્ટ્રોનિક જાહેરાત, બુકિંગ ફોર્મ અથવા એલોટમેન્ટ લેટરમાં ચોક્કસ ફોર્મેટમાં રેરા વિગતો દર્શાવવી ફરજિયાત રહેશે. આ હુકમ ૧૫ જૂન, ૨૦૨૫ થી અમલમાં આવશે.

શું દર્શાવવું ફરજિયાત છે?
દરેક જાહેરાતમાં નીચેની ત્રણ બાબતો સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત રહેશે:
૧. યુનિક રેરા રજીસ્ટ્રેશન નંબર: હવે પૂરા રજીસ્ટ્રેશન નંબરને બદલે ફક્ત ૮ અથવા ૧૨ અંકોનો ટુંકો ‘યુનિક નંબર’ જ દર્શાવવાનો રહેશે (દા.ત. GJ01012345).
૨. રેરા વેબસાઇટની લિંક: અધિકૃત વેબસાઇટનું URL: https://gujrera.gujarat.gov.in
૩. QR કોડ: પ્રોજેક્ટના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં આપેલો QR કોડ, જે સ્કેન કરતા રેરા પોર્ટલ પર પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મળી રહેશે.

જાહેરાતમાં ક્યાં અને કેવી રીતે દર્શાવવું?

  • સ્થાન: જાહેરાતના પ્રથમ પાનાના જમણી બાજુ ઉપરના ખૂણામાં આ વિગતો દર્શાવવી જરૂરી છે.
  • ડિઝાઇન: વિગતો એક નિશ્ચિત બ્લોકમાં દર્શાવવી રહેશે. બ્લોકની ઉપર યુનિક રેરા નંબર અને નીચે વેબસાઇટની લિંક આપવી રહેશે.
  • ફોન્ટનું માપ: રેરા નંબર અને વેબસાઇટ જાહેરાતમાં ‘કોન્ટેક્ટ ડીટેઈલ’ જેટલા અથવા તેના કરતા મોટા ફોન્ટમાં દેખાવા જોઈએ.
  • સોશિયલ મીડિયા/વીડિયો જાહેરાત: આવી જાહેરાતોના અંતે રેરા બ્લોક ઓછામાં ઓછા ૩ સેકન્ડ સુધી સંપૂર્ણ સ્ક્રીન પર દેખાવો જરૂરી છે.
  • ઓડિયો જાહેરાત: ઓડિયો જાહેરાતમાં યુનિક રેરા નંબર સ્પષ્ટ રીતે બોલીને કહેવો ફરજિયાત રહેશે.

ગ્રાહકોને ફાયદો:
આ નવા નિયમોથી ગ્રાહકો માટે પ્રોજેક્ટની વિશ્વસનીયતા તપાસવી ખૂબ જ સરળ થઈ જશે. જાહેરાતમાં આપેલા ટુંકા યુનિક નંબર અથવા QR કોડને રેરા વેબસાઇટ પર દાખલ કરતા જ પ્રોજેક્ટની તમામ કાનૂની, બાંધકામ અને આર્થિક માહિતી એક જ ઠેકાણે મળી રહેશે. આથી ગેરવાજબી અથવા ભ્રામક જાહેરાતોનું જોખમ ઘટશે.

પ્રમોટર્સ માટે ચેતવણી:
આ હુકમનું પાલન ન કરનાર પ્રમોટર્સ સામે રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ ની કલમ-૬૩ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ, આ હુકમ અનુસાર ફક્ત જાહેરાતોમાં જ ટુંકા યુનિક નંબરનો ઉપયોગ કરવાનો છે, જ્યારે બધા જ દસ્તાવેજી કામકાજ (જેમ કે કરાર) માટે પ્રોજેક્ટનો પૂરો રજીસ્ટ્રેશન નંબર જ વાપરવાનો રહેશે.

આ નવા નિયમોથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા અને ગ્રાહક સુરક્ષા સુનિશ્ચિત થવાની અપેક્ષા છે.