ગ્રાહક હકોનું રક્ષણ: રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ સ્થળે હવે ફરજિયાત રહેશે વિગતોનું બોર્ડ Order 112

ગાંધીનગર, ૨૮ નવેમ્બર, ૨૦૨૫: રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં પારદર્શિતા અને ગ્રાહક સુરક્ષા મજબૂત કરવા માટે ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરાત રેરા) એ એક મહત્વપૂર્ણ હુકમ જારી કર્યો છે. હુકમ નં. ૧૧૨ તારીખ ૨૮/૧૧/૨૦૨૫ અનુસાર, રાજ્યમાં રેરા પાસે રજીસ્ટર્ડ તમામ કાર્યરત પ્રોજેક્ટ્સના સ્થળે પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો દર્શાવતું બોર્ડ અથવા બેનર ફરજિયાત લગાવવું પડશે. આ હુકમ ૧ ડિસેમ્બર, ૨૦૨૫ થી અમલમાં આવશે.

પારદર્શિતા માટે નવી શરતો:
હાલાં, પ્રોજેક્ટના જાહેરાતી બોર્ડ પર ફક્ત રેરા રજીસ્ટ્રેશન નંબર અને વેબસાઇટ જ દર્શાવવાની જરૂર છે. જો કે, નવા હુકમ મુજબ પ્રોજેક્ટ સ્થળે લગાવવાના બોર્ડ પર નીચેની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત રહેશે:

  • પ્રોજેક્ટ અને પ્રમોટરનું નામ, ઈ-મેઈલ અને મોબાઇલ નંબર.
  • રેરા રજીસ્ટ્રેશન નંબર અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ.
  • પ્રોજેક્ટમાં રહેઠાણ, દુકાન, ઓફીસની કુલ સંખ્યા.
  • બાંધકામની સ્પેસિફિકેશન અને ઉપલબ્ધ એમેનિટીઝની વિગતો.
  • રેરા કલેક્શન બેંક એકાઉન્ટનું નામ અને નંબર (નંબરના છેલ્લા ચાર અંક).
  • પ્રોજેક્ટ લોનની વિગતો (જો લીધેલ હોય તો).
  • એલોટીઓ (ખરીદદારો) માટેની જરૂરી સૂચનાઓ.
  • QR કોડ જે સ્કેન કરતા રેરા વેબસાઇટ પર પ્રોજેક્ટની તમામ અધિકૃત માહિતી મળી રહેશે.

બોર્ડના માપ અને ડિઝાઇનના નિયમો:
ગ્રાહકોને સહેલાઈથી વાંચી શકાય અને માહિતી સ્પષ્ટ દેખાય તે માટે બોર્ડના માપ અને ડિઝાઇન માટે પણ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે:

  • બોર્ડની લઘુત્તમ પહોળાઈ ૧.૨૦ મીટર અને ઉંચાઈ ૨.૦૦ મીટર રાખવી.
  • બોર્ડ પ્રોજેક્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અથવા મુખ્ય રસ્તા પરથી સ્પષ્ટ જોઈ શકાય તે રીતે, જમીનથી ૧.૫૦ થી ૨.૦૦ મીટરની ઊંચાઈએ લગાવવો.
  • બોર્ડ વાટરપ્રુફ સામગ્રીનો હોવો જોઈએ અને તેનો પાશ્વભાગ સફેદ અથવા પીળો રાખવો.
  • બોર્ડ પરની માહિતીના અક્ષરોની ઊંચાઈ ઓછામાં ઓછી ૨.૫૦ સેમી રાખવી.
  • રેરા રજીસ્ટ્રેશન નંબર અને કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો લાલ રંગમાં જ દર્શાવવી.
  • QR કોડનું માપ ઓછામાં ઓછું ૧૫ સેમી x ૧૫ સેમી રાખવું.

પ્રમોટર્સ માટે જવાબદારી:
આ હુકમનું પાલન ન કરનાર પ્રમોટર્સ પર રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ અનુસાર કાર્યવાહી અને દંડની તકેદારી રહેશે. પ્રત્યેક ત્રિમાસિક પ્રગતિ અહેવાલ (QPR) સાથે પ્રોજેક્ટ સ્થળે લગાવેલ બોર્ડનો ફોટો પણ રજૂ કરવો ફરજિયાત રહેશે.

ગ્રાહકો માટે લાભ:
આ નવી યોજનાથી ગ્રાહકોને મોટી રાહત મળવાની છે. પ્રોજેક્ટની મુખ્ય વિગતો, બેંક એકાઉન્ટની માહિતી અને લોનની વિગતો એક જ સ્થળે જોઈ શકાશે. કોઈ પણ પ્રકારની ગેરસમજ અથવા ગેરમાર્ગે દોરવા જેવી ઘટનાઓ ઘટશે. QR કોડ દ્વારા રેરાની વેબસાઇટ પરથી સીધી માહિતી મેળવી શકાશે અને કોઈ પણ ફરિયાદ રેરા પાસે ઓનલાઇન દાખલ કરી શકાશે.

View on Official Site

અપવાદ:
જે પ્રોજેક્ટ્સનું ‘પ્રોજેક્ટ એન્ડ કમ્પ્લાયન્સ’ (P&C) રેરાની વેબસાઇટ પર અપલોડ કરી દેવાયું છે અને જેનું ચકાસણી પછી વેરિફિકેશન થઈ ચૂક્યું છે, તે પ્રોજેક્ટ્સ માટે આ બોર્ડ લગાવવાની જરૂર રહેશે નહીં.

આ હુકમ રીયલ એસ્ટેટ ક્ષેત્રે વધુ પારદર્શિતા અને જવાબદારી લાવવા તથા ગ્રાહકોના હિતોના રક્ષણને ધ્યાનમાં રાખીને લાગુ પાડવામાં આવ્યો છે.